મોહનદાસ કરમચંદ ગાંધી

મોહનદાસ કરમચંદ ગાંધી (જન્મ : ૨ ઑક્ટોબર, ૧૮૬૯ – અવસાન : ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮) મહાત્મા તરીકે જાણીતા છે. મોહનદાસ કરમચંદ ગાંધી એક ભારતીય વકીલ અને જગપ્રસિદ્ધ રાષ્ટ્રવાદી નેતા હતા. ગાંધીજીએ અંગ્રેજ શાસનમાંથી ભારત દેશની આઝાદી માટે અહિંસક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી.

 

 

 

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધીજી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. ગાંધીજીએ બ્રિટિશ શાસન પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

Read Also   Create Shri Ram AI 3D Image with Bing Image Creater

મોહનદાસ કરમચંદ ગાંધી ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક પ્રમુખ રાજનૈતિક રાજનેતા હતા. ગાંધીજીએ સત્યાગ્રહ, અહિંસા, અસહકાર અને સવિનય કાનૂનભંગ દ્વારા ભારતને આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. મહાત્મા ગાંધીજીએ દરેક પરિસ્થિતિમાં સત્ય અને અહિંસાનું પાલન કર્યું હતું અને લોકોને પણ આ સિદ્ધાંતો પાલન કરવા કહ્યું હતું. ગાંધીજીએ પોતાનું જીવન સદાચારમાં વિતાવ્યું હતું. આપણા દેશની આઝાદીના લડવૈયા, સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીજી દેશ અને વિદેશના લાખો લોકો માટે પ્રેરણારૂપ રહ્યા છે. કંઈ કેટલાય લોકો માટે ગાંધીબાપુનું જીવન પ્રેરણાનું ઝરણું બની રહ્યું છે.

મોહનદાસ ગાંધીનો જન્મ ૨ ઑક્ટોબર, ૧૮૬૯ના રોજ ગુજરાત રાજ્યના પોરબંદરમાં થયો હતો. મોહનદાસના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પૂતળીબાઈ હતું. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. મોહનદાસ ગાંધીના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરિલાલ, ત્યાર બાદ મણિલાલ, ત્યારબાદ રામદાસ અને સૌથી નાનો પુત્ર દેવદાસ.

Read Also   Gyansetu Gyan sadhana Scholarship Exam 2024 

વર્ષ ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ગાંધીજી મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા હતા. વર્ષ ૧૮૮૮માં ગાંધીજી લંડન પહોંચ્યા. ગાંધીજીએ લંડનના ઈનર ટેમ્પલમાં કાયદાની તાલીમ લીધી હતી અને વર્ષ ૧૮૯૧ માં બૅરિસ્ટર થઈ ભારતમાં પાછા ફર્યા. વર્ષ ૧૮૯૩માં ગાંધીજી એક મુકદ્દમામાં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. વર્ષ ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. ગાંધીજીએ વર્ષ ૧૯૧૫માં કોચરબ આશ્રમ અને વર્ષ ૧૯૧૭માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી.

Read Also   Digital Gujarat Online Scholarship Year 2023-24

મહાત્મા ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, દાંડી સત્યાગ્રહ (દાંડીકૂચ), ધરાસણા સત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન વગેરે આંદોલન કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી. ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ નામથી પોતાની આત્મકથા લખી છે. ‘હિંદ સ્વરાજ’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, ‘મંગલપ્રભાત’, ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ ‘મારો જેલનો અનુભવ’, ‘સર્વોદય’, ‘ખરી કેળવણી’, ‘કેળવણીનો કોયડો’ વગેરે પુસ્તકોનું સર્જન ગાંધીજીએ કર્યું હતું.

૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીજીની ગોળી મારી હત્યા કરી હતી. ગાંધીજીનું સમાધિ સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે, જે દિલ્હીમાં આવેલું છે.

Leave a Comment